પ્રચાર સામગ્રી

તમારી તપાસનાં પરિણામોઃ તમારા પેડુ પરની ધોરી નસ પર મોટો સોજો (AAA) છે.

અપડેટ થયેલ 19 November 2024

Applies to England

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) એ આ પત્રિકા NHS વતી બનાવી છે. આ માહિતીમાં, શબ્દ ‘અમે’ એટલે કે તપાસ પૂરી પાડતી NHS સેવા.


સોજો આવેલ ધોરી નસ બતાવતું ચિત્ર

1. આ પત્રિકા કોના માટે છે

જે પુરૂષોમાં પેડુ પરની ધોરી નસની તપાસ મારફતે (જેને AAA તપાસ પણ કહેવાય છે) તેમના પેડુ પર ધોરી નસનો મોટો સોજો (લાર્જ એન્યુરીઝમ) જોવા મળ્યો હોય તેવા પુરૂષોને આ પાનું માહિતી પૂરી પાડે છે.

તમારી તપાસ કરવામાં આવી ત્યારે અમને તમારી ધોરી નસ સામાન્ય કરતાં ખૂબ વધુ પહોળી જોવા મળી છે. અર્થાત તમે ધોરી નસનો મોટો સોજો ધરાવો છો જેની સારવારની - સામાન્ય રીતે ઓપરેશનની આવશ્યકતા છે. તપાસ કરાવનાર 1,000માંથી લગભગ 1 પુરૂષને મોટો AAA હોય છે. હવે અમે વધુ પરીક્ષણો કરવા માટે અને સંભવિત સારવાર વિશે વાત કરવા માટે નિષ્ણાત સાથે તમારી મુલાકાતનું આયોજન કરીશું.

2. પેડુ પરની ધોરી નસનો સોજો (એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરીઝમ) એટલે શું

એઓર્ટા એટલે કે ધોરી નસ તમારા શરીરમાં લોહી પુરવઠો પૂરો પાડતી મુખ્ય રક્તવાહિની છે. તે તમારા હ્રદયમાંથી નીકળીને તમારી છાતી અને પેડુ મારફતે પસાર થાય છે.

અમુક લોકોમાં, જેમ તેઓ વૃદ્ધ થાય છે, તેમ પેડુમાં ધોરી નસની દિવાલ નબળી થઇ શકે છે. ત્યારબાદ તે પહોળી થાય છે, જેને પેડુ પરની ધોરી નસનો સોજો (એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરીઝમ) કહેવાય છે.

3. મોટો AAA કેટલો ગંભીર છે

ધોરી નસનો મોટો સોજો ખૂબ ગંભીર બની શકે છે કારણ કે ધોરી નસની દિવાલો ખેંચાય છે, તે નબળી બને છે અને ફાટી શકે છે, જેના કારણે આંતરીક રક્તસ્ત્રાવ થાય છે. આ એક તબીબી કટોકટી છે. 100 માંથી આશરે 85 લોકો ધોરી નસનો સોજો ફાટવાથી મૃત્યુ પામે છે.

મોટો AAA ફાટવાનું જોખમ સામાન્ય રીતે સોજાની સારવાર કરવા માટેની સર્જરીના કોઈ પણ જોખમ કરતાં ઘણું મોટું હોય છે.

4. હવે પછી શું થશે

તમારી વિગતો અમે રક્તવાહિની નિષ્ણાતને મોકલાવી છે જેઓ આગામી 2 અઠવાડિયાંમાં તમને અપોઈન્ટમેન્ટ આપશે. નિષ્ણાતોઃ

  • તમારા તબીબી ઇતિહાસ વિશે પૂછશે
  • સંપૂર્ણ પરીક્ષણ કરશે
  • તમારા સામાન્ય સ્વાસ્થનું મૂલ્યાંકન કરવા માટે તમારાં હ્રદય, ફેફસાં અને કિડનીઓ પર વધુ પરીક્ષણો કરી શકે
  • સારવારનાં જોખમો અને ફાયદા વિશે તમારી સાથે વાત કરશે
  • તમારા કોઇ પ્રશ્નો હોય તો તેના જવાબ આપશે

તમારા સ્કેનનું પરિણામ અમે તમારા GP ને જણાવીશું.

5. ઓપરેશન

તપાસનો ઉપયોગ કરી શોધવામાં આવેલ ધોરી નસના સોજાની સારવાર સામાન્ય રીતે ખૂબ અસરકારક હોય છે.

જોકે, તમામ ઓપરેશનો જોખમો ધરાવે છે અને AAA ની સારવારની ઓપરેશન બાદ આશરે 60 માંથી 1 વ્યક્તિ મૃત્યુ પામે છે. નિષ્ણાંત રક્તવાહિની ટીમ તમારી તપાસ કરશે ત્યારે, સારવાર અને સંભવિત જોખમો વિશે તમારી સાથે વાત કરશે.

5.1 જો ઓપરેશન તમારા માટે યોગ્ય હશે તો

તમારા માટે યોગ્ય સારવાર વિશે નિષ્ણાત તમારી સાથે વાત કરશે. ખૂબ ઓછી સંખ્યામાં પુરૂષોમાં ઓપરેશન કરવાનું જોખમ ખૂબ ગંભીર હોય છે અને કદાચ શક્ય ન બને. જો તમે અન્ય ગંભીર તબીબી સમસ્યાઓ ધરાવતા હો તો આમ બની શકે છે. અમુક કિસ્સાઓમાં, તબીબી સ્થિતીમાં સુધારો ન થાય, તો ઓપરેશન અનુકૂળ ન હોઇ શકે.

ઓપરેશન કરાવવું કે નહિ તે પસંદગી તમારી છે. જો તમે ઓપરેશન કરાવવા ન ઇચ્છતા હો, તો નિષ્ણાત ટીમ અન્ય વિકલ્પો વિશે તમારી સાથે ચર્ચા કરશે.

6. તમારી તબિયતનું ધ્યાન રાખવું

તમે આ રીતે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં મદદ કરી શકો છોઃ

  • જો તમે ધુમ્રપાન કરતા હો તો તેમાં ઘટાડો કરવા અથવા ધુમ્રપાન બંધ કરવા માટે મદદ મેળવવી
  • તમારું લોહીનું દબાણ સામાન્ય હોય તેની ખાતરી કરવી - જો તમે તાજેતરમાં તેની તપાસ ન કરાવેલ હોય તો તેની તપાસ કરાવી લેવી યોગ્ય છો
  • આરોગ્યપ્રદ, સમતોલિત આહાર ખાવો અને ચરબીવાળા ખોરાક ઓછા કરવા
  • જો તમારું વજન વધુ હોય, તો વજન ઘટાડવાનો પ્રયાસ કરવો
  • નિયમિત કસરત કરવી
  • જો તમે આલ્કોહોલ પીતાં હો, તો સંવેદનશીલ મર્યાદામાં રહીને પીવું

તમારી જીવનશૈલીમાં અન્ય કોઇ ફેરફારો કરવાની આવશ્યકતા નથી અને કોઇ ખેલ અથવા શોખ ચાલુ રાખો.

ઉપરોક્ત તમામ બાબતે તમારા GP તમને સલાહ આપી શકશે અને તમને દવા પણ આપશે અથવા તમારી વર્તમાન દવાની સમીક્ષા કરશે.

7. ચિહ્નો

જો તમે ધોરી નસનો સોજો ધરાવતા હો, તો સામાન્ય રીતે તમને કોઇ લક્ષણો જણાશે નહીં, આથી ધોરી નસના મોટા સોજાથી તમને કોઇ દુઃખાવો અથવા અસ્વસ્થતાનો અનુભવ થવાની સંભાવના નથી.

જો કોઇ કારણસર તમે હોસ્પીટલમાં જાવ, તો તમારે કર્મચારીગણને જણાવવું જોઇએ કે તપાસ મારફતે પેડુ પરની ધોરી નસનો સોજો હોવાનું તમારું નિદાન થયું છે.

તમારા તપાસનાં પરિણામ વિશે જો તમને કોઇ પ્રશ્નો હોય, તો તમારા સ્થાનિક તપાસ પ્રોગ્રામને તમે ફોન કરી શકશો. જો તમને સામાન્ય અસ્વસ્થતાનો અનુભવ થાય, તો તમારાં GP સાથે તમારે વાત કરવી જોઇએ.

7.1 ફાટી ગયેલ ધોરી નસનાં ચિહ્નો

AAA ફાટવાના કોઇ લક્ષણોથી તમે સાવધાન રહો તે મહત્વનું છે.

જો તમને ગંભીર, સતત રીતે પેટમાં અને/અથવા કમરના નીચેના ભાગમાં દુખાવો થવાનાં નવાં ચિહ્નો જણાય, તો તમારે તરત જ એક્સીડેન્ટ એન્ડ ઈમર્જન્સી વિભાગ મારફતે તબીબી મદદ મેળવવી જોઈએ. તમે AAA ધરાવો છો તે કર્મચારીગણને જણાવવાનું ધ્યાન રાખો.

તમારા તપાસ પરિણામ સાથે જો તમને કોઇ પ્રશ્નો હોય, તો તમારા સ્થાનિક તપાસ પ્રોગ્રામને તમે ફોન કરી શકશો.’ જો તમને સામાન્ય અસ્વસ્થતાનો અનુભવ થાય, તો તમારાં GP સાથે તમારે વાત કરવી જોઇએ.

8. નિકટનાં પરિવારજનો

જો તમારા ભાઇ, બહેન અથવા માતાપિતાને પેડુ પરની ધોરી નસનો સોજો હોય અથવા ભૂતકાળમાં થયો હોય તો AAA થવાનું જોખમ વધી જાય છે.

આથી તમારા ભાઇઓ, બહેનો અને બાળકોને તમારે જાણ કરવી જોઇએ કે તેમના પર પણ AAA નનું જોખમ રહેલું છે. તમારો AAA જોવા મળ્યો હોય તે ઉંમર કરતાં 5 વર્ષ વહેલા પોતાનું સ્કૅન કરાવવાની શક્યતા વિશે તેઓ તેમના જી.પી.ને પૂછી શકે છે.

9. ગાડી ચલાવવી

કાર ડ્રાઇવર્સ:

  1. જો તમારો ધોરી નસનો સોજો 6 સેમી સુધી વિકાસ પામે તો DVLA ને તમારે જાણ કરવી ફરજિયાત છે.
  2. જો તમારો ધોરી નસનો સોજો 6.5 સેમી સુધી વિકાસ પામે તો તમારું લાયસન્સ રદ્દ થઇ જશે.
  3. તમારા ધોરી નસના સોજાની સફળતાપૂર્વક સારવાર થયા બાદ તમારું લાયસન્સ ફરી શરૂ થશે.

બસ, કોચ અને લોરી ડ્રાઈવરોઃ

  1. તમને ધોરી નસનો સોજો છે તેની DVLA ને તમારે જાણ કરવી ફરજિયાત છે.
  2. તમારું લાઈસન્સ રદ્દ થઈ જશે.
  3. તમારા ધોરી નસના સોજાની સફળતાપૂર્વક સારવાર થયા બાદ તમારું લાયસન્સ ફરી શરૂ થશે.

10. આરોગ્યને લગતો ઈન્શ્યોરન્સ

મુસાફરી અથવા કોઇ અન્ય સ્વાસ્થ્ય-સંલગ્ન વીમા માટે અરજી કરતી વખતે જો તમે તમારું AAA જાહેર કરો તો તમારી પાસે વિશેષ પ્રિમીયમ વસૂલવામાં આવી શકે છે અથવા કવરમાંથી શરત દૂર કરવામાં આવી શકે છે. કવર માટે તપાસ કરતી વખતે, દલાલ તમને મદદ કરી શકશે. બ્રિટીશ ઇન્સ્યોરન્સ બ્રોકર્સ એસોસિએશન ‘ફાઇન્ડ એ બ્રોકર’ (find a broker) સેવાનું સંચાલન કરે છે. જુઓ તેમની વેબસાઈટ અથવા 0370 950 1790 પર કોલ કરો.

11. વધુ માહિતી

તમને વધુ માહિતી અહીંથી મળી શકશેઃ

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ તેમજ NHS તમારી તપાસ વિશેની માહિતી કેવી રીતે વાપરે અને તેનું રક્ષણ કરે છે તેની જાણકારી મેળવો.

તપાસ કરાવવાનો ઈનકાર કેવી રીતે કરવો તે વિશે જાણકારી મેળવો.