માર્ગદર્શન

દુકાળની જાહેર સ્વાસ્થ્ય પર અસર: જનતા માટે સલાહ

ઇંગ્લૅન્ડમાં દુકાળની સંભવિત આરોગ્ય અસરો અને આ ઘટનાઓ દરમિયાન લોકો સ્વસ્થ રહેવા માટેના જે પગલાં લઈ શકે તેની માહિતી.

Applies to England

દુષ્કાળ સાથે સંકળાયેલી સ્વાસ્થ્યની અનેક અસરો છે. સ્વાસ્થ્યનાં પરિણામો ડિહાઇડ્રેશન, ચેપી રોગોના પ્રસારણમાં વધારો અને નબળા માનસિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. ઓછા વરસાદના વિસ્તૃત સમયગાળા દરમિયાન, અમને પાણીનો બિનજરૂરી ઉપયોગ ઘટાડવા માટે કહેવામાં આવી શકે છે, ઉદાહરણ તરીકે, અમારી કાર ન ધોઈને અથવા અમારા બગીચાઓને પાણી ન આપીને અથવા હોસપાઈપથી પૂલ ન ભરીને. જો પરિસ્થિતિ વધુ ગંભીર બને તો પીવાના, રસોઈ અને સ્વચ્છતાની રીતભાતો જેવી આવશ્યક જરૂરિયાતો સુધી મર્યાદિત ઉપયોગ સાથે, જળ સંસાધનોને વધુ બચાવવાની જરૂર પડી શકે છે. દુકાળનાં સંભવિત સ્વાસ્થ્ય પરિણામોથી પોતાને બચાવવા માટે આપણે બધા કરી શકીએ એવા ઉપાયો છે.

સારાંશ

માહિતગાર રહો

સાવચેત રહો અને પાણીના ઉપયોગ પરનાં કોઈપણ નિયંત્રણોનું પાલન કરો, ઉદાહરણ તરીકે, હોસપાઈપ પર પ્રતિબંધ.

સૂચનાઓ માટે તમારી સ્થાનિક પાણી કંપની સાથે સાઇન અપ કરો.

જો પુરવઠામાં વિક્ષેપ અથવા ફેરફારો થાય (જેમ કે પાણીના દબાણમાં ઘટાડો), તો તેમને જણાવવા માટે તમારી પાણી કંપનીનો સંપર્ક કરો.

કમજોર ગ્રાહકોએ તેમના પ્રાયોરિટી સર્વિસીસ રજિસ્ટર (PSR) પર નોંધણી કરાવવા માટે તેમની પાણીની કંપનીનો સંપર્ક કરવો જોઈએ જેથી તેઓ વધારાની મદદ અને સમર્થન મેળવી શકે, ઉદાહરણ તરીકે, બૉટલ્ડ વૉટરની ડિલિવરી.

દુકાળના સમયગાળા દરમિયાન સ્વચ્છતા જાળવો

દુકાળની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના તમારા હાથ ધોવાનું ચાલુ રાખો અને સ્વચ્છતા જાળવો, કારણ કે તે ચેપી રોગોના ફેલાવાને રોકવા માટે અત્યંત અસરકારક રીત છે.

પાણી પીતાં રહો

પૂરતા પ્રમાણમાં પ્રવાહી પીઓ, ખાસ કરીને ગરમ હવામાન દરમિયાન. આલ્કોહૉલ લેવાનું ટાળો. ગરમ તાપમાન પર દરેક વ્યક્તિને ડિહાઇડ્રેશન થવાનું જોખમ રહેલું છે. પહેલાથી હોય એવી સ્વાસ્થ્યની સ્થિતિ ધરાવતા લોકો, વૃદ્ધ લોકો, આઉટડોર વર્કર્સ, આઉટડોર ઍથ્લીટ્સ અને ખૂબ જ નાની ઉંમરના લોકો પર વિશેષ જોખમ રહેલું છે.

તમારા માનસિક સ્વાસ્થ્યની સંભાળ લો

દુકાળને કારણે માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. દુકાળનો સમયગાળો તણાવપૂર્ણ હોઈ શકે છે, ખાસ કરીને જેમની આજીવિકા અથવા નોકરીઓ પાણી પર આધાર રાખે છે તેમના માટે.

જો તમે સંઘર્ષ કરી રહ્યા હો તો કુટુંબ અને મિત્રો અથવા સહાયક સંસ્થાઓ પાસેથી સહાયતા મેળવો.

શ્વસન સંબંધિત સમસ્યાઓ ઓછી કરો

હવાની ગુણવત્તા અંગે કોઈ પણ અપડેટ્સનો ખ્યાલ રાખો. જો તમે ઇન્હેલરનો ઉપયોગ કરતા હો તો તમારી સાથે તે રાખો.

દુકાળની સ્થિતિ પર્યાવરણમાં ધૂળની માત્રામાં વધારો કરી શકે છે, જે સંભવિતપણે પહેલેથી હોય એવી શ્વસન સંબંધિત બિમારીઓ ધરાવતા લોકોને અસર કરી શકે છે.

પાણીનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરો

પાણીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો અને વ્યર્થ ઉપયોગ ટાળો.

આ પર્યાવરણ માટે જળ સંસાધનોને બચાવવામાં મદદ કરે છે. ગંભીર દુકાળમાં તે લોકોની આવશ્યક જરૂરિયાતો માટે પૂરતું પાણી મળવાનું ચાલુ રહે તેની ખાતરી કરવામાં પણ મદદ કરે છે.

1. માહિતગાર રહો

પાણીના ઉપયોગ અંગે સલાહ અને માર્ગદર્શન માટે તમારી પાણી કંપનીની વેબસાઈટ, સોશિયલ મીડિયા અને ન્યૂઝ આઉટલેટ્સ નિયમિતપણે ચેક કરો અને નવીનતમ પરિસ્થિતિથી માહિતગાર રહો.

તમારા નળના પાણીના રંગ, સ્વાદ અથવા પાણીના દબાણમાં ફેરફારની જાણ તમારી પાણી કંપનીને કરો.

જો તમને લાગતું હોય કે તમને વધારાની મદદની જરૂર પડી શકે છે, ઉદાહરણ તરીકે, જો તમારી ઉંમર મોટી હોય, તમને હાલમાં સ્વાસ્થ્યની સમસ્યા અથવા અપંગતા હોય તો તમારી પાણી કંપનીના પ્રાયોરિટી સર્વિસ રજિસ્ટર પર મૂકવામાં આવે તે માટે કહો.

જો તમે ખાનગી પાણી પુરવઠા પર છો તો તમારે તેની જરૂર હોય તો મદદ અને સલાહ ક્યાં લેવી તે જાણો. ડ્રિન્કિંગ વૉટર ઇન્સ્પેક્ટર (DWI) પાસે ખાનગી પાણીના પુરવઠાના સંચાલન અંગે વધુ માર્ગદર્શન મળી શકશે.

જો તમને સહાયતાની જરૂર હોય તો તમારા સ્થાનિક સત્તાધિકારી અને સામાજિક સેવાઓ સાથે નોંધણી કરો.

ધ્યાન રાખો કે દુકાળને કારણે નદીઓ, સરોવરો અને નાળાંઓમાં પાણીનું સામાન્ય સ્તર કરતાં ઓછું થઈ શકે છે. વધુ ગરમી અને દુકાળની પરિસ્થિતિઓ દરમિયાન સ્વાસ્થ્યનાં સંભવિત જોખમો વિશે લોકપ્રિય મનોરંજનના વિસ્તારોમાં સંદેશાઓને અનુસરો, ઉદાહરણ તરીકે, ડાઇવિંગ.

2. દુકાળના સમયગાળા દરમિયાન સ્વચ્છતા જાળવો

હાથની સારી સ્વચ્છતા જાળવવાનું ચાલુ રાખો, કારણ કે તે ચેપી રોગોના સંક્રમણને રોકવા માટે અત્યંત અસરકારક રીત છે. ઓછામાં ઓછા આ સ્થિતિઓમાં તમારા હાથ ધોવા, જ્યારે તમે:

  • ઘરે જાઓ કે નોકરી પર જાઓ
  • તમારું નાક ખંખેરો, છીંક આવે કે ખાંસી આવે ત્યારે
  • ખાવાનું ખાઓ કે તેને અડો ત્યારે

જ્યાં સુધી તમે તમારા હાથ ન ધોઈ લો ત્યાં સુધી તમારી આંખો, મોં અને નાકને સ્પર્શ કરવાનું ટાળો.

સાબુ અને પાણી વડે તમારે તમારા હાથ 20 સેકંડ માટે ધોવા જોઈએ.

જો હાથ ધોવાની સુવિધા ઉપલબ્ધ ન હોય તો હૅન્ડ સેનિટાઇઝર જેલ અથવા સેનિટાઇઝિંગ વાઇપ્સનો ઉપયોગ કરો.

ખોરાક અને તમારા રસોડાનાં વાસણોને સામાન્ય રીતે ધોવાનું ચાલુ રાખો.

જ્યારે શક્ય હોય ત્યારે સ્નાનને બદલે શાવર લો. તેનાથી પાણી બચાવવામાં મદદ મળશે.

3. પાણી પીતાં રહો

ખાતરી કરો કે તમે પૂરતા પ્રમાણમાં પાણી પીતાં રહો. પાણી બચાવવાના પ્રયાસમાં તમારું પાણી પીવાનું પ્રમાણ ઘટાડશો નહીં. તમને તમારા પાણી પુરવઠામાં કોઈપણ સમસ્યાની જાણ થવી જોઈએ, તેથી પીવા માટે તમારા નળનાં પાણીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો સિવાય કે આમ ન કરવાની સલાહ આપવામાં આવે. જો પાણી પુરવઠામાં વિક્ષેપ આવે તો તમારી પાણી કંપની દ્વારા પાણીનો વૈકલ્પિક પુરવઠો પૂરો પાડવામાં આવશે.

ગરમ હવામાન દરમિયાન મુસાફરી કરતી વખતે હંમેશાં પાણી સાથે રાખો.

દુકાળ ઘણીવાર ગરમ હવામાનના સમયગાળા દરમિયાન થાય છે. ગરમી કોઈપણ વ્યક્તિને અસર કરી શકે છે, પરંતુ કેટલાક લોકો પર ગંભીર નુકસાનનું વધુ જોખમ રહેલું હોય છે, જેમ કે:

  • વૃદ્ધ લોકો
  • શિશુઓ અને નાનાં બાળકો
  • ગંભીર લાંબા ગાળાનો રોગ ધરાવતા લોકો
  • માનસિક સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ ધરાવતા અથવા અમુક દવાઓ પર હોય એવા લોકો
  • જેઓ બહાર શારીરિક રીતે પ્રવૃત્ત હોય એવા લોકો
  • બેઘર લોકો.

પડોશીઓ, કુટુંબીજનો અથવા મિત્રો કે જેઓ અલાયદા હોય અને પોતાની સંભાળ રાખવામાં અસમર્થ હોય તેવા લોકોનું ધ્યાન રાખો – ખાતરી કરો કે તેઓ ઠંડક રાખવામાં સક્ષમ છે. ગરમીથી દૂર રહો, ખુદને ઠંડક આપો, તમારા વાતાવરણને ઠંડું રાખો અથવા ઠંડી હોય એવી કોઈ બીજી જગ્યા શોધો. UK હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) દ્વારા વિકસાવવામાં આવેલ NHSમાંથી અને ઇંગ્લૅન્ડ માટે હીટવેવ પ્લાનમાં વધુ માહિતી ઉપલબ્ધ છે.

બૉટલમાં ભરેલું પાણી બેબી ફૉર્મ્યુલા સાથે ઉપયોગમાં લેવા માટે ભલામણ કરવામાં આવતું નથી, સિવાય કે નળનું પાણી ઉપલબ્ધ ન હોય કારણ કે તે સામાન્ય રીતે જંતુરહિત (બેક્ટેરિયાથી મુક્ત) નથી અને તેમાં વધુ પડતું મીઠું (સોડિયમ) અથવા સલ્ફેટ હોઈ શકે છે. જો બૉટલમાંનાં પાણીનો ઉપયોગ ફૉર્મ્યુલા માટે કરવો જ પડે તેમ હોય તો:

  • તે જંતુરહિત છે તેની ખાતરી કરવા માટે ઉપયોગ કરતાં પહેલાં પાણી (1 મિનિટ માટે ભલામણ કરવામાં આવે છે) ઉકાળો અને તેને ઠંડુ થવા દો (ઓરડાના તાપમાને)
  • સોડિયમ (Na) પ્રતિ લિટર 200 મિલિગ્રામ (mg) કરતાં ઓછું છે અને સલ્ફેટ (SO4) ના લિટર દીઠ 250mg કરતાં વધુ નથી તેની ખાતરી કરવા માટે લેબલ તપાસો.

4. તમારા માનસિક સ્વાસ્થ્યની સંભાળ લો

જેમની આજીવિકા અથવા નોકરીઓ પાણી અને પર્યાવરણ પર આધાર રાખે છે, તેઓ માટે દુકાળની સ્થિતિ તકલીફ અને ચિંતાની લાગણીઓ તરફ દોરી શકે છે. જો તમને ઠીક ન હોય તો સહાયતા માટે મિત્રો અને કુટુંબીજનોનો સંપર્ક કરો અથવા NHS Every Mind Matters પર જાઓ, જેમાં ચિંતા અને તણાવનું કેવી રીતે નિયમન કરવું તે વિશે ઉપયોગી ટિપ્સ છે.

જો તમે તમારા માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે ચિંતિત હો તો તમે આના દ્વારા પણ સહાયતા મેળવી શકો છો:

  • NHS111.uk પર જઈને
  • 111 ડાયલ કરીને
  • તમારા જનરલ પ્રૅક્ટિશનરને મળીને

5. શ્વસન સંબંધિત સમસ્યાઓ ઓછી કરો

જો તમે ઇન્હેલરનો ઉપયોગ કરતા હો તો ખાતરી કરો કે તમે તેને ગરમ શુષ્ક સમયગાળા દરમિયાન તમારી સાથે રાખો. આ મહત્વપૂર્ણ છે, કારણ કે શુષ્ક સમયગાળા દરમિયાન, હવાની ગુણવત્તા નબળી હોઈ શકે છે અને પરાગરજની સંખ્યા પણ વધારે હોઈ શકે છે જે શ્વસન સંબંધિત સ્થિતિઓ પર અસર કરી શકે છે

શુષ્ક સમયગાળા દરમિયાન જંગલમાં ઘણી વખત દવ લાગે છે અને આવા દવમાંથી નીકળતાં ધુમાડા અને રાખ શ્વસન સંબંધિત સ્થિતિઓને અસર કરી શકે છે. જો જંગલમાં લાગેલા દવનો ધુમાડો તમારા વિસ્તારમાં હવાની ગુણવત્તાને અસર કરી રહ્યો હોય તો બારીઓ અને દરવાજા બંધ રાખો.

હવાઈ પ્રદૂષણ વિશે તાજી આગાહી UK Air વેબસાઇટ પરથી મેળવો.

6. પાણીનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરો

જો તમારા વિસ્તારમાં પાણીના ઉપયોગ પર પ્રતિબંધો છે, તો કૃપા કરીને આપેલા માર્ગદર્શનને અનુસરો.

તમારા ઘર અને બગીચામાં પાણી માટે કાર્યક્ષમ ઉપકરણોનો ઉપયોગ કરો. તમારી પાણી કંપની તેને કેવી રીતે ઑર્ડર કરવા અને ઇન્સ્ટૉલ કરવા તે અંગે સલાહ આપી શકે છે. ઘણી પાણી કંપનીઓ પાણી બચાવવાનાં ઉપકરણો પણ મફતમાં આપે છે. બાગકામ વિશેની સલાહ વૉટર UK પર ઉપલબ્ધ છે.

પાણી બચાવવા માટે સરળ પગલાં લો, ઉદાહરણ તરીકે, લીકેજને ઠીક કરવા, તમારા દાંત સાફ કરતી વખતે નળ બંધ કરવા અને માત્ર સંપૂર્ણ લોડ પર વૉશિંગ મશીન ચલાવવું. જો શક્ય હોય તો, સ્નાનને બદલે શાવર લો અને બગીચામાં પાણીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો.

પાણીની બચતના અન્ય વિચારો વૉટર UK Water’s Worth Saving અને Waterwise પરથી મેળવો.

વધુ માહિતી

તમારી પાણી કંપની કન્ઝ્યુમર કાઉન્સિલ ફૉર વૉટર પર શોધો.

ઍન્વાયર્નમેન્ટ એજંસી પર પાણીની સ્થિતિના અહેવાલો શોધો.

DWIના ખાનગી પાણી પુરવઠા.

મૅટ ઑફિસની વેબસાઇટ પર હવામાનની આગાહી અને ભારે તાપમાન અંગે સ્વાસ્થ્યની ચેતવણીઓ.

UK-AIR – જેઓ હવાઈ પ્રદૂષણ પ્રત્યે વિશેષ સંવેદનશીલ હોઈ શકે એવા લોકો માટે સ્વાસ્થ્યની સલાહ, UK-Air વેબસાઇટ મારફતે.

ગરમ શુષ્ક સમયગાળો ગરમી સંબંધિત સ્વાસ્થ્યના ઍલર્ટ સાથે સંબંધિત હોઈ શકે છે. વધુ માહિતી ઇંગ્લૅન્ડ માટે UKHSA હીટવેવ પ્લાન પર મેળવી શકાશે.

વૉટર UK ખાતે કાર્યક્ષમ રીતે પાણીનો ઉપયોગ કરવા માટે વૈવિધ્યસભર માહિતી અને નુસખા છે.

Updates to this page

પ્રકાશિત થયો 28 July 2022
છેલ્લો અપડેટ 13 November 2024 + show all updates
  1. Updated the information about heat health guidance.

  2. Added easy-read, sign-language and translated versions of guidance.

  3. First published.

Print this page